ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત ફ્લેગશિપ વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE 2026’ ની બીજી આવૃત્તિનું ગાંધીનગર સ્થિત હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉત્સાહભેર સમાપન થયું. ત્રણ દિવસીય આ આયોજન ગુજરાતની ઔદ્યોગિક ગતિશીલતા, સાહસિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સંકલ્પ ‘વિઝન 2047’ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહ્યું.

36,000 થી વધુ B2B મુલાકાતીઓ અને વિવિધ ક્ષેત્રોના ૫૦૦થી વધુ પ્રદર્શકોની સહભાગીતા સાથે, આ એક્સ્પો નવીનતા, સહયોગ અને ઉચ્ચ-મૂલ્ય ધરાવતા વ્યાપારિક જોડાણો માટે એક જીવંત પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જેણે ભારતના આર્થિક પરિદ્રશ્યમાં ગુજરાતના નેતૃત્વને પુનઃ પ્રસ્થાપિત કર્યું છે.

સમાપન સત્રમાં GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરએ સંબોધન કરતા એક્સ્પોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા રજૂ કરી હતી. તેમણે તમામ પ્રાયોજકો, ભાગીદારો, વક્તાઓ અને સહભાગીઓના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું અને ‘વિઝન 2047’ પ્રત્યે GCCI ની અટલ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. “ગુજરાતનું વિઝન – વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ” (Gujarat’s Vision – Global Ambitions) થીમ પર ભાર મૂકતા તેમણે નવીનતા, સાહસવૃત્તિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવાના GCCI ના અવિરત પ્રયાસોની ખાતરી આપી હતી.

એક્સ્પોના અંતિમ દિવસે અનેક પ્રભાવશાળી કાર્યક્રમો યોજાયા હતા. ‘ડેમો ડે’ દ્વારા ઊભરતા સાહસિકોને નિષ્ણાત પ્રેક્ષકો સમક્ષ તેમની નવીનતાઓ પ્રસ્તુત કરવાની તક મળી હતી. એડિન્ટોર્સના ચીફ ક્રિએટિવ ઓફિસર સુશ્રી દેવકી માર્ક્સ દ્વારા સંચાલિત ‘પિચ મેરેથોન’માં અગ્રણી રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી વિન્સ્ટન ટેક્સેરા (ઇન્વેસ્ટમેન્ટ મેનેજર, એનરિશન ઇન્ડિયા કેપિટલ ઇન્ક), શ્રી રાહુલ વૈદ્ય (પાર્ટનર, ઇકોસિસ્ટમ વેન્ચર્સ), શ્રી અનિલ જોશી (ફાઉન્ડર અને મેનેજિંગ પાર્ટનર, યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર્સ), શ્રી વિનોદ શંકર (ફાઉન્ડિંગ પાર્ટનર, જાવા કેપિટલ) અને શ્રી સુરેશ નરસિમ્હા (કો-ક્રિએટર, કો-ક્રિએટ વેન્ચર્સ) નો સમાવેશ થાય છે. આ સત્ર દ્વારા સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારો વચ્ચે અર્થપૂર્ણ સંવાદ અને ગહન ચર્ચાઓ શક્ય બની હતી.

આ ઉપરાંત, એક્સ્પોમાં વર્તમાન વિષયો પર પેનલ ચર્ચાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. “બિલ્ડિંગ કોન્શિયસ બ્યુટી બ્રાન્ડ્સ ઇન મોર્ડન ઇન્ડિયા” વિષય પર GCCI BWC કમિટીના અધ્યક્ષ સુશ્રી આશા વઘાસિયા દ્વારા સંચાલિત સત્રમાં સુશ્રી શુભિકા જૈન (ફાઉન્ડર અને CEO, RAS લક્ઝરી સ્કિનકેર), સુશ્રી આશ્કા ગોરાડિયા (કો-ફાઉન્ડર, રેની કોસ્મેટિક્સ) અને સુશ્રી તનિષા લખાણી (ફાઉન્ડર, પ્રોટચ) એ ભાગ લીધો હતો. આ પેનલે ભારતના સૌંદર્ય ઉદ્યોગની ઝડપી વૃદ્ધિ, ગ્રાહકોની બદલાતી પસંદગીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વૈશ્વિક વિસ્તરણની ક્ષમતાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PATNAGAR UDAY | SINCE: 2015 by Team Patnagaruday.